Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

મહીસાગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની વીરપુર તાલુકાના વરધરા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી ** કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો ** વિકાસના કામો અર્થે વીરપુર તાલુકાને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો * જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું **

મહીસાગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી વીરપુર તાલુકાના વરધરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટરશ્રીના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ મંગળ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને પોલીસ બેન્ડની સુરાવલિઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. હર્ષ ધ્વનિ બાદ કલેક્ટરશ્રી દ્વારા ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં મહીસાગર જિલ્લો 'વિકસિત ભારત - ૨૦૪૭' ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ હોવાનું જણાવી જિલ્લા વહીવટી તંત્રની સિદ્ધિઓનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિઓ વર્ણવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં કાર્યરત ૨૩૯ જેટલી આરોગ્ય સુવિધાઓ પૈકી ૧૪ સુવિધાઓને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ (NQAS) સર્ટિફિકેટ મળ્યું છે. જ્યારે ૯૧% એટલે કે ૬.૬૭ લાખ નાગરિકોને આયુષ્માન કાર્ડ એનાયત કરી સુરક્ષિત કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મહીસાગર જિલ્લાએ કેન્દ્રીય શિક્ષણ સર્વેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઐતિહાસિક અને અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સુખાકારી અંગે માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ ૨.૩૧ લાખ ખેડૂતોને ₹૭૧૪.૮૮ કરોડની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે. જમીનની ફળદ્રુપતા બચાવવા ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિ લાવવા ૨૦૮ મેગા પશુ આરોગ્ય મેળા યોજી ૪૩,૦૦૦ પશુઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. ગ્રામ્ય વિકાસ હેઠળ પીએમ આવાસ યોજના (ગ્રામીણ) માં ૧૬,૮૧૮ આવાસોનું નિર્માણ પૂર્ણ કરી ગરીબ પરિવારોના સ્વપ્નને સાકાર કરાયા છે. માળખાગત અને કાયદાકીય સુવિધાઓની વાત કરતા તેમણે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૬૭ કિ.મી. લંબાઈના રસ્તાઓ પહોળા અને મજબૂત કરવા ₹૧,૫૮,૭૯૧ લાખના કામો મંજૂર કરાયા છે. પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમના આંતરરાજ્ય ગુનાઓ ઉકેલી ૪૮ આરોપીઓ ઝડપી પડાયા છે અને બાળલગ્ન (અપરિપક્વ લગ્ન) અટકાવવા સઘન ઝુંબેશ ચલાવાઈ છે. પર્યાવરણની જાળવણી માટે 'એક પેડ માં કે નામ ૩.૦' અંતર્ગત સમગ્ર જિલ્લામાં વિક્રમજનક ૨૨.૯૮ લાખ રોપાઓનું વિતરણ અને વાવેતર કરાયું છે તથા આરટીઓ (RTO) સેવાઓને ડિજિટલ અને સંપૂર્ણ ફેસલેસ બનાવવામાં આવી છે. સામાજિક કલ્યાણ, મહિલા વિકાસ અને બાળ પોષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓના સફળ અમલીકરણની માહિતી આપતાં કલેક્ટરશ્રીએ અંતમાં ખાતરી આપી હતી કે, સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુખાકારી, પ્રગતિ અને સુરક્ષા માટે સતત કાર્યરત રહેશે. તેમણે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાની પ્રતિબદ્ધતા દોહરાવી, સૌને અમૃતકાળમાં 'વિકસિત ભારત ૨૦૪૭' ના નિર્માણમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી તરબોળ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની આ ઉજવણી નિમિત્તે વીરપુર તાલુકાના વિકાસના કામો અર્થે રૂ. ૨૫,૦૦,૦૦૦/- નો ચેક કલેક્ટરશ્રીના હસ્તે પ્રાંત અધિકારીશ્રી બાલાસિનોરને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓનું કલેક્ટરશ્રીના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગીત ગાન બાદ કાર્યક્રમના અંતે મહાનુભાવો અને કલેક્ટરશ્રી દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સહિત જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!