E-Paperhttps://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2024/01/jjujuu.gifUncategorizedગુજરાત
મહીસાગર જિલ્લાને ‘કુપોષણ મુક્ત’ બનાવવા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ મહત્વની બેઠક: **** આંગણવાડી કેન્દ્રો માટે બીજા નવા ૮૩ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કેન્દ્રો દત્તક આપવામાં આવ્યા **** કુપોષણ નાબૂદીનો દ્રઢ સંકલ્પ સાથે ફાળવેલ આંગણવાડી કેન્દ્રોની દર ૧૫ દિવસે અચૂક મુલાકાત લઈ બાળકોનું વજન-ઊંચાઈ ચકાસવા અધિકારીશ્રીઓને સૂચનો
મહીસાગર,૧૮ જુલાઇ: મહીસાગર જિલ્લાને સંપૂર્ણ કુપોષણ મુક્ત કરવાના સઘન આંદોલનના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "કુપોષણ મુક્ત મહીસાગર પ્રોજેક્ટ" નામની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા અને અમલીકરણની સમીક્ષા કરવા આજરોજ મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને આંગણવાડી કેન્દ્રોની સોંપણી કરી સઘન કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના અતિ ગંભીર કુપોષિત (SAM) અને મધ્યમ કુપોષિત (MAM) બાળકોને ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહાર અને આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરી તેમને રેડ ઝોનમાંથી બહાર કાઢી ક્રમશઃ યલો અને ગ્રીન ઝોનમાં લાવવાનો છે. આ તબક્કામાં બાકી રહેતા આંગણવાડી કેન્દ્રો માટે બીજા નવા ૮૩ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કેન્દ્રો દત્તક આપવામાં આવ્યા છે. ફાળવવામાં આવેલ આ નવા કેન્દ્રોમાં હાલની સ્થિતિએ ૪૨ અતિ ગંભીર કુપોષિત (SAM) અને ૩૨૨ મધ્યમ કુપોષિત (MAM) બાળકોનો સમાવેશ થાય છે. કુપોષણ મુક્ત મહીસાગરનું આ જન આંદોલન સળંગ ત્રણ માસ સુધી દૈનિક ધોરણે ચલાવવામાં આવશે. આ કામગીરીના સુદ્રઢ અમલીકરણ માટે તમામ દત્તક લેનાર અધિકારીશ્રીઓને માસમાં બે વાર (દર ૧૫ દિવસે) પોતાને ફાળવેલ કેન્દ્રોની અચૂક મુલાકાત લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ પોતાની હાજરીમાં જ બાળકોની મેડિકલ ચકાસણી તથા સાચા વજન અને ઊંચાઈની નોંધણી કરાવવાની રહેશે. વધુમાં, જો ફાળવેલ કેન્દ્રમાં મૂળભૂત ભૌતિક સુવિધાઓની કોઈ ઉણપ જણાય, તો તેની ચેકલીસ્ટમાં નોંધ કરી ખૂટતી વસ્તુઓની પૂર્તિ માટે સત્વરે પ્રયત્નો હાથ ધરવાના રહેશે. આ બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, જો કોઈ અધિકારીને ફાળવેલ આંગણવાડી ભાડાના કે અન્ય મકાનમાં ચાલતી હોય અથવા જમીન સંબંધી કોઈ પ્રશ્નો હોય, તો તે અંગે સંબંધિત અધિકારીઓએ અંગત રસ દાખવી ફોલોઅપ લેવાનું રહેશે અને પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા યોગ્ય સૂચન કે માર્ગદર્શન આપવાનું રહેશે. આંગણવાડી કેન્દ્રનું તમામ આયામો પર સાર્વત્રિક (Holistic) ડેવલપમેન્ટ થાય તેવી અપેક્ષા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સહિત સંકલન સમિતિના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા



