E-Paperhttps://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2024/01/jjujuu.gifUncategorizedસ્થાનિક સમાચાર
મહીસાગર જિલ્લાના ખેડૂતોને ‘આત્મનિર્ભર પલ્સ મિશન’ હેઠળ તુવેરના બિયારણ પર માતબર સહાય જાહેર **** કઠોળના ઉત્પાદનને વેગ આપવા તુવેરના ઉત્કૃષ્ટ બિયારણનું રાહત દરે વિતરણ શરૂ કરાયું
મહીસાગર જિલ્લામાં કઠોળ પાકોના વાવેતરનો વ્યાપ વધારવા અને ઉત્પાદકતામાં વૃદ્ધિ કરવાના ઉમદા હેતુ સાથે ભારત સરકારની 'આત્મનિર્ભર પલ્સ મિશન' યોજના હેઠળ તુવેર પાકના બિયારણ વિતરણની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સુઆયોજિત વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અત્યંત રાહત દરે પૂરા પાડવામાં આવી રહ્યા છે, જેથી જિલ્લામાં કઠોળના વાવેતર પ્રત્યે ખેડૂતોને પ્રોત્સાહિત કરી શકાય. આ યોજના અંતર્ગત તુવેરની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી જાતો જેવી કે જી.ટી. ૧૦૫ અને ૧૦૮ ના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બજાર કિંમતની સરખામણીએ ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે તે માટે સરકાર દ્વારા વિશેષ આર્થિક સહાયનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૨ કિલોગ્રામ બિયારણની બેગની વેચાણ કિંમત ૩૬૦ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે, જેના પર પ્રતિ બેગ ૧૨૦ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આમ, ખેડૂતોને અસરકારક રીતે તુવેરનું શુદ્ધ બિયારણ માત્ર ૬૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે પ્રાપ્ત થશે. લાભાર્થી ખેડૂતો માટે નિયત કરવામાં આવેલી જોગવાઈ મુજબ, પ્રત્યેક લાભાર્થી વધુમાં વધુ ૨ હેકટર જમીન માં વાવેતર માટે બિયારણનો જથ્થો સહાયિત દરે મેળવી શકશે. આ બિયારણ મેળવવા માટે ખેડૂતોએ પોતપોતાના તાલુકાના નજીકના બીજ નિગમના અધિકૃત વિક્રેતાઓનો સંપર્ક કરવાનો રહેશે. યોજના અંગેની વધુ વિગતો, અરજી પ્રક્રિયા અથવા ટેકનિકલ માર્ગદર્શન માટે જે-તે વિસ્તારના ગ્રામસેવક અથવા તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ મિશનમાં જોડાઈને કઠોળ ઉત્પાદનમાં જિલ્લાને સ્વનિર્ભર બનાવે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
