Uncategorized
મહીસાગર જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ **
મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી, જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટી (માર્ગ સલામતી સમિતિ) ની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ માર્ગોની સ્થિતિ અને ટ્રાફિક નિયમનની કામગીરી અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં ગત તારીખ ૧૨-૦૬-૨૦૨૬ના રોજ મળેલ સમિતિની અગાઉની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી અને તે અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ રોડ ઓનિંગ એજન્સીઓ અને વિભાગો જેવા કે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), GSRDC, SRP અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ એજન્સીઓ દ્વારા માર્ગ સલામતી વધારવા માટે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને ભવિષ્યના એક્શન પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વધુમાં, જિલ્લામાં ટ્રાફિકના નિયમોના ચુસ્ત પાલન (એન્ફોર્સમેન્ટ) તથા વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટેની એજ્યુકેશન (અવેરનેસ) સંબંધિત કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. બેઠક દરમિયાન ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, અકસ્માત પીડિતોને સહાયરૂપ થવા માટે કાર્યરત 'PM RAHAT' (પી.એમ. રાહત) યોજના અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરીનો પણ ચિતાર મેળવવામાં આવ્યો હતો. બેઠકના અંતે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સંબંધિત તમામ અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



