E-Paperગુજરાત
લુણાવાડાની પોલન સ્કૂલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી **
બાળકોને કુપોષણ અને એનીમિયાથી બચાવવા આરોગ્ય ટીમની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ આલ્બેન્ડાઝોલની ગોળી ખવડાવવામાં આવી ** મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્થિત પોલન સ્કૂલ ખાતે આજરોજ અર્બન હેલ્થ સેન્ટર, લુણાવાડા દ્વારા 'રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (CDHO), RCHO શ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી (THO) ના સીધા માર્ગદર્શન હેઠળ આ જાગૃતિ અને અમલીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગની ટીમની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ કૃમિનાશક 'આલ્બેન્ડાઝોલ' (Albendazole) ની ગોળી ખવડાવવામાં આવી હતી. આ દવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શારીરિક અને માનસિક વિકાસને અવરોધતા કૃમિના સંક્રમણથી તેઓને સંપૂર્ણ રક્ષણ આપવાનો છે. ગોળી આપવાની કામગીરી સાથે-સાથે અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય ટીમ દ્વારા ઉપસ્થિત બાળકો અને શિક્ષકગણને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આરોગ્યલક્ષી મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મીઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શરીરમાં કૃમિ હોવાને કારણે બાળકોમાં એનીમિયા (લોહીની ઉણપ) અને કુપોષણ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓથી બચવા અને બાળકના સર્વાંગી વિકાસ માટે નિયમિતપણે કૃમિનાશક ગોળી લેવી ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત, બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે પણ વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ભોજન કરતા પહેલાં અને શૌચાલયના ઉપયોગ બાદ અચૂક સાબુથી હાથ ધોવા, તેમજ બીમારીઓથી બચવા નખ નિયમિત રીતે કાપીને ટૂંકા રાખવા જેવી આરોગ્યપ્રદ ટેવો રોજિંદા જીવનમાં કેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.



