Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

મહીસાગરના નવરચિત ગોધર તાલુકાના માંચોડ ગામે ‘કિસાન ગોષ્ટિ’ યોજાઈ: ખેડૂતોને અપાયું આધુનિક કૃષિ અને પશુપાલનનું માર્ગદર્શન *** આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અલ્પ વરસાદી સ્થિતિમાં કઠોળના વાવેતર અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મુકાયો ***

મહીસાગર,૧૮ જુલાઇ: મહીસાગર જિલ્લાના નવરચિત ગોધર તાલુકાના માંચોડ ગામે આત્મા પ્રોજેક્ટ મહીસાગર દ્વારા આજે એક વિશેષ 'કિસાન ગોષ્ટિ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધર તાલુકાના તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા સદસ્ય તેમજ ગ્રામ પંચાયતના સરપંચની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ખેડૂતોના હિત અને ખેતી વિષયક અત્યાધુનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલા અને પુરુષ ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ખેડૂતોને ખેતી વિષયક પદ્ધતિઓ અને સરકારી યોજનાઓની પાયાની માહિતી આપીને કરવામાં આવી હતી. પશુ વૈજ્ઞાનિક શ્રી ભાવિનભાઈ પટેલે આદર્શ પશુપાલન વિશે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે પશુઓને સામાન્ય રોગ સામે કેવી રીતે રક્ષણ આપવું જોઈએ. તેમણે ખાસ કરીને ગાભણ પશુઓની રાખવામાં આવતી વિશેષ કાળજી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘાસચારો અને પશુઓને આપવામાં આવતા સમતોલ આહારના મહત્વ વિશે પશુપાલકોને માહિતગાર કર્યા હતા. ખેતીવાડી ક્ષેત્રે માર્ગદર્શન આપતા વિસ્તરણ અધિકારીએ ખેતીવાડી ખાતા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. વર્તમાન સમયમાં જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યારે મખેની શ્રી મહેશભાઈ પટેલે ખેડૂતોને વૈકલ્પિક ખેતી પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે અલ્પ વરસાદની સ્થિતિમાં કઠોળ જેવા પાકોનું પદ્ધતિસરનું વાવેતર કરીને આર્થિક નુકસાનથી બચવા માટેના નુસખાઓ ખેડૂતો સાથે સાઝાં કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર પણ સઘન ચર્ચા કરવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને તેનાથી થતા લાંબા ગાળાના ફાયદાઓ વિશે ગ્રામજનોને સમજ આપી હતી. આ તબક્કે તાલુકા પંચાયતના પ્રમુખે પોતાનો વ્યક્તિગત અનુભવ જણાવતા ઉમેર્યું હતું કે, તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી સ્વયં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પોતાના ઘર માટે જરૂરી શાકભાજી તેમજ અનાજની પેદાવાર આ પદ્ધતિથી જ મેળવે છે. તેમણે ઉપસ્થિત તમામ ખેડૂતોને પોતાની જરૂરિયાત મુજબના પાક માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આત્મા પ્રોજેક્ટ અને બોર્ડના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!